પૃષ્ઠોBRC KHEDBRAHMA VEBSITE
15 સપ્ટેમ્બર, 2013
ભારતરત્ન મહામાનવ ડૉ.બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર
ભારતરત્ન મહામાનવ ડૉ.બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર
હુલામણું નામ : બાબાસાહેબ
નાગરીકતા : ભારતીય
અભ્યાસ : એમ.એ. , એમ.એસ.સી, પી.એચ.ડી, ડી.એસ.સી, એલ.એલ.ડી , ડી.લીટ ,બાર એટ.લો , જે.પી.
વ્યવસાય : ભારતના પ્રથમ કાયદા પ્રધાન
વતન : અંબાવાડે, રત્નાગિરી, મહારાષ્ટ્ર
ખિતાબ : ભારત રત્ન (૧૯૯૦ - મરણોપરાંત)
જન્મ અને બાળપણ
ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ(તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
શિક્ષણ
ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી. મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવને ખુબ જ હેરાન થવું પડ્યું .આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.
હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.
ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો.પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.
પ્રથમ ગોળમેજી પરિષદમાં
ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા.ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ ,મુસ્લિમ લીગ અને ડૉ.આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સધાય શકી નહિ .આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી.તા ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું.આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ(ઉંડાણપુર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી .ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર.ઊંડી અસર કરી ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હતા .ડૉ.આંબેડકર તેઓ કડવું પણ સત્ય બોલતા. ડૉ.આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.
ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત
તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ.આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ.તા. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા .ડૉ.આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી.ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા ડૉ.આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા.બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી.બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ.આંબેડકર ઘણાજ અપ્રિય થયા .સમાચારપત્રોએ ડૉ.આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું.આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા.લંડન થી પાછા આવ્યા પછી ડૉ.આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અશંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો.
લોકનેતા
તા . ૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ મા બ્રિટીશ વડાપ્રધાને " કોમ્યુનલ એવોર્ડ " ની જાહેરાત કરી. એમાં ડૉ.આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો.જે ડૉ આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન ડૉ.આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ ગાંધીજી. હિંદુ નેતાઓ અને ડૉ. આંબેડકર છેવટે તા. ૨૪ સપ્ટેંબર ૧૯૩૨ માં 'પુના કરાર ' થયા, અને સમાધાન થયું. ગાંધીજીએ તા. ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ તા. ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઇ ગયા હતા.ડૉ. આંબેડકર ને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉ. આંબેડકરે ,દાદર ,મુંબઈ માં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા 'રાજગૃહ' નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા હતા. દલિત સમાજના કાયૉના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ.તા.૧ જુન ૧૯૩૫ માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી.ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે ઈન્ડીપેનડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ) ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકર નું પુસ્તક "પાકિસ્તાન ઉપર વિચારો" પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા.ડૉ.આંબેડકરે સ્વબળે અને સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. તા.૧૪ મી એપ્રિલ ૧૯૪૨ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મિ વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. તા. ૨૦ જુલાઈ ૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટ માં લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે "પીપલ્સ એજ્યુકેશન સોસાયટી" ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે "શુદ્રો કોણ હતા? " નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.
બૌદ્ધ ધર્મ અંગીકાર
ડૉ આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ તેમને 'બુદ્ધ અને તેમનો ધમ્મ' પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું .તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા 'હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ તે પ્રમાણે તા.૧૪ ઓક્ટોબર ૧૯૫૬ માં ડૉ.આંબેડકર નાગપુર દીક્ષાભૂમિ માં ૩,૮૦૦૦૦ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.દુનિયાના ઈતિહાસ માં આવા ધર્મ પરિવર્તનો ખુબજ ઓછા જોવા મળે છે. તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી.આ પ્રતિજ્ઞાઓ દલિતોને અંધ શ્રદ્ધા અને વિરોધભાસથી જાગૃત કરવા માટે આપી.
બંધારણના ઘડવૈયા
૧૯૪૬માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂટાયા તા. ૯ ડીસેમ્બર ૧૯૪૬ માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા તા.૨૯ એપ્રિલ ૧૯૪૭ માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા ભારત-પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. તા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણી ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ. ડૉ. આંબેડકરની દેશ નું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમય માં ખુબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ.અમ્બેડકરે ફેબ્રુઆરી ૧૯૪૮ન છેલા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્રપ્રશાદ ને સુપ્રત કરી ડૉ.આંબેડકરે તા.૧૫ અપ્રિલ ૧૯૪૮ માં ડૉ.શારદા કબીર સાથે લગ્ન કર્યા .પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું .ભારતના બંધારણ ના કાચા મુસદાને દેશના લોકોની જન માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મુકવામાં આવ્યો તા ૪ નવેમ્બેર ૧૯૪૮ માં ડૉ.આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું .મુખ્યત્વે ડૉ.આંબેડકર રચિત બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા તા ૨૬ નવેમ્બર ૧૯૪૯મ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું .આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ.રાજેન્દ્ર પ્રશાદે ડૉ.આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા.તા ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.
૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ .માર્ચ ૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. તા. ૧ જુન ૧૯૫૨ માં તેઓ ન્યુયોર્ક ગયા અને તા.૫ જુન ૧૯૫૨ માં કોલમ્બિયા યુનીવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી .તા ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ માં ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ.આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી . તેઓની ખરાબ તબિયત ના કારણે બહુ લાંબુ જીવી શક્યા નહિ. તા ૬ ડીસેમ્બેર ૧૯૫૬ ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં મહાપરીનિર્વાણ થયું